SHREE PANCHAVATI EDUCATION SOCIETY

સંથાનો ઇતિહાસ

Set a plan, start learning and
unlock your potential

સ્થાપના : આ સંસ્થાની સ્થાપના તા. ૩૦/૧૦/૩૨ એટલે સવંત ૧૯૮૯ ના કારતક સુદ એકમને શુભદિને કરવામાં આવી હતી. ત્યારે તેનું નામ “શ્રી મહાગુજરાત મંડળ” હતું. આ સંસ્થા ૧૯૫૬ થી ”શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી” ના નામથી ઓળખાય છે. હાલમાં આ સંસ્થા પંચવટીના સર્વે નં : ૧૩૪માં આશરે ૩૪,૦૦૦ ચો. વાર (સાત એકર ) જમીન પર ફેલાયેલી છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલય અને સિવણ ક્લાસ ચલાવવામાં આવે છે.
ઉદ્દેશ્ય: ગુજરાતી માધ્યમ દ્વારા નાસિક સ્થિત ગુજરાતી સમાજના બાળકોને માતૃભાષામાં શિક્ષણ પુરૂં પાડવું એ હેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થા આ ઉદ્દેશને આજે પણ વળગી રહી છે અને શૈક્ષણિક સંસ્થાઓનું સફળ સંચાલન કરી રહી છે.
વિકાસ: સને ૧૯૩૪ માં “કુમાર મંદિર” નામથી પ્રથમ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ શાળા ચાર ધોરણ સુધીની હતી અને તેમાં ૪૦ વિદ્યાર્થીઓ દાખલ થયા હતા. તે પહેલા સમાજના બાળકોને મરાઠી માધ્યમમાં શિક્ષણ લેવું પડતું.
સને ૧૯૪૮ માં શેઠ શ્રી પ્રાગજીભાઈ માવજીભાઈ ઝવેરીની ઉદાર સખાવતથી તેમની પુત્રી સ્વ ગોદાવરી બહેનના સ્મરણાર્થે “કુમાર મંદિર “પ્રાથમિક શાળાને “શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા “ નામ આપવામાં આવ્યું.
ચાર ધોરણ થી શરૂ કરેલ શાળા વધીને સાત ધોરણ સુધી થઈ અને જોતાજોતા માં મેટ્રિક સુધી પહોંચી પણ સંસ્થાને શાળા માટે મકાન અને મકાન માટે જમીન જરૂરી હતી.
સ્વ. શેઠ શ્રી લીલાધર મોરારજી ભીમાણીએ જમીન ભેટ આપી. સ્વ શેઠ શ્રી જયંતીલાલ વિક્રમચંદ સંઘવીએ તેમાં પાયાનું બાંધકામ કરાવી આપ્યું. શેઠ શ્રી રામરીખદાસ પરશરામ પુરીયા એ રૂપિયા ૫૧,૦૦૦/- નું ઉદાર દાન આપ્યું તેમાંથી હાઈસ્કૂલનું મકાન તૈયાર થયું અને તેને “શેઠ શ્રી રામરીખદાસ પરશરામ પુરીયા વિદ્યાલય” નામ આપવામાં આવ્યું.
સને ૧૯૪૯ માં સંસ્થાના ત્યારના ટ્રસ્ટી શેઠ શ્રી દુર્લભજીભાઈ કેશવજી ખેતાણી તરફથી તેમના પુત્ર નિરંજનના સ્મરણાર્થે સંસ્થાને રૂપિયા ૧૦,૦૦૦/- નું ઉદાર દાન મળ્યું તેમાંથી બાલમંદિરની સ્થાપના થઈ અને તેને “શ્રી નિરંજન ખેતાણી બાલમંદિર “ નામ આપવામાં આવ્યું.
સને ૧૯૫૩ માં રાજમાતા ચમનકુંવરબા અને સ્વ. રાજકુમારી આનંદ કુંવરબા તરફથી સંસ્થાને રૂપિયા ૧૫,૦૦૦/- નું ઉદાર દાન મળ્યું. તેમાંથી " મહિલા સિવણ ક્લાસ " ની શરૂઆત થઈ અને તેને દાતાઓના નામમાં જોડવામાં આવ્યા.
ગુજરાતી હાઇસ્કુલના મકાન ફંડ માટે સન ૧૯૬૩ ના રોજ (માટુંગા ) મુંબઈના સન્મુખાનંદ હોલમાં " સો ટચનું સોનુ" નાટકનો ચેરિટી શો રાખવામાં આવ્યો હતો તેમાંથી સંસ્થાને રૂપિયા ૧,૨૫,૦૦૦/- મળ્યા. શેઠ શ્રી કુંવરજી માવજી ટ્રસ્ટ તરફથી સંસ્થાને ભેટમાં મળેલ મિલકતના વેચાણની રકમ અને બીજા અનેક ઉદાર દાતાઓએ સંસ્થાને આપેલ દાન ની રકમ માંથી સને ૧૯૬૭ માં રૂ. ૩,૫૦,૦૦૦/- ના ખર્ચે શેઠ શ્રી રામરીખદાસ પરસરામ પુરિયા વિદ્યાલય નું ભવ્ય મકાન બાંધવામાં આવ્યું. આ મકાનમાં રહેલ સભાગૃહને "કુંવરજી માવજી ઓડિટોરિયમ" નામ આપવામાં આવ્યું.
તા. ૩૦મી ઓક્ટોબર૧૯૭૬ ના રોજ સંસ્થાના પ્રાંગણમાં સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની કાંસાની અર્ધ પ્રતિમાની અનાવરણ વિધિ ત્યારના મહારાષ્ટ્ર રાજ્યના પુરવઠા મંત્રી શ્રી જગેશભાઈ દેસાઈ ના શુભહસ્તે કરવામાં આવી અને સંસ્થાના શૈક્ષણિક સંકુલને "સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ વિદ્યાનગર " નામ આપવામાં આવ્યું.
સમાજના અનેક બાળકો અંગ્રેજી માધ્યમની મિશનરી શાળાઓમાં જતા જણાયા. આપણી સંસ્કૃતિના સંસ્કારો જળવાય અને બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મળે એ હેતુથી સને ૧૯૭૬ માં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી.
સને ૧૯૮૩ માં ગ. સ્વ. પટેલ માણેકબેન અંબાલાલ ના સુપુત્રો તરફે ઉદાર દાન પેટે રૂ.૪,૦૫,૦૦૦/- સંસ્થાને મળ્યા. તેમાંથી અંગ્રેજી માધ્યમની શાળાને " શ્રી અંબાલાલ પ્રેમજી પટેલ હાઇસ્કુલ " નામ આપવામાં આવ્યું.
શ્રી અલકેશભાઈ ખોડીદાસ પટેલ ના નામે સંગણક વિભાગની સ્થાપના કરવામાં આવી અને તેને "શ્રી અલ્કેશભાઇ ખોડીદાસ પટેલ " નામ આપવામાં આવ્યું.
સને ૧૯૮૩ ના નવેમ્બર ની તા.૯મી અને લાભપાંચમના દિને "શ્રી કીકાખુશાલ પુસ્તકાલય" ની સ્થાપના થઈ. આ નામ માટે શ્રી કીકાખુશાલ છગનખુશાલ ટ્રસ્ટના " છગન ભુવન " મકાન વેચાણમાંથી આવેલ રકમ સંસ્થાને દાન પેટે મળી.
સને ૧૯૮૫ માં શેઠ શ્રી હરિભાઈ દેસાઈ તરફે રૂ.૧,૫૧,૦૦૦/- ની ઉદાર સખાવત સંસ્થાને મળી તેમાંથી અંગ્રેજી માધ્યમની શાળાના બાલમંદિરને "શ્રી હરિભાઈ દેસાઈ મોન્ટેસરી " નામ આપવામાં આવ્યું.
સને ૨૦૦૩ માં સ્વ. બાબુભાઈ કાપડિયા નામથી રૂ. ૫,૦૦,૦૦૦/- નું દાન મળ્યું અને તેમાંથી પ્રાઇમરિ સ્કૂલની સ્થાપના થઈ અને તેને "શ્રીમાન બાબુભાઈ કાપડિયા ઇંગ્લિશ મિડીયમ પ્રાઇમરી સ્કુલ" નામ આપવામાં આવ્યું.
શ્રી વિજયભાઈ તથા શ્રી ઉપેન્દ્રભાઈ દીનાની તરફથી જુનિયર સાયન્સ અને કોલેજ માટે રૂ.૫૦,૦૦,૦૦૦/-નું દાન મળતા "નિર્મલાબેન એન્ડ જમનાદાસ દીનાની જુનિયર કોલેજ" નામ આપવામાં આવ્યું.
શ્રી રાજેશભાઈ પોપટલાલ ઠક્કર તરફથી ફાર્મસી કોલેજ માટે રૂ.૫૧,૦૦,૦૦૦/- નું દાન મળતા " શ્રીમતી નર્મદાબેન પોપટલાલ ઠક્કર ઇન્સ્ટિટયુટ ઓફ ડિપ્લોમા ઇન ફાર્મસી " નામ આપવામાં આવ્યું.